પાંચમી સપ્ટેમ્બર-શિક્ષક દિનની રાજ્યવ્યાપી ઊજવણી
વિદ્યાર્થીને જ્ઞાનવાન અને ઈન્સાન બનાવે એ જ સાચી વિદ્યા
શિક્ષકો
માત્ર સરકારી કર્મચારી નથી, રાષ્ટ્રના ઘડવૈયા છે
શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવે છે. સ્વસ્થ સમાજ ઘડતરનો પાયો શિક્ષક છે. શિક્ષકનું ગૌરવગાન કરવા પ્રતિ વર્ષ પમી સપ્ટેમ્બર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે. ગુજરાતમાં પણ રાજ્યભરમાં શિક્ષકોને સન્માનિત કરીને શિક્ષકદિનની આગવા અંદાજમાં ઊજવણી કરવામાં આવી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત -:
પાંચમી સપ્ટેમ્બર-શિક્ષક દિને અમદાવાદ
ખાતે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ
શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને જ્ઞાનવાન અને ઈન્સાન
બનાવે એ જ સાચી વિદ્યા છે. બાળકના શારીરિક જન્મમાં માતા-પિતાની ભૂમિકા હોય છે પણ
તેના માનસ ઘડતરમાં તો શિક્ષકની જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
આ અવસરે ભારતીય શિક્ષણ પરંપરાનો મહિમા વર્ણવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય વિચાર પરંપરા સમૃધ્ધ હતી અને તેથી જ અનેક વિદેશી આક્રમણો છતાં ભારતીય સંસ્કૃતિ પર તેની અસર થઈ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ-:
મહેસાણા ખાતે જિલ્લાના શિક્ષકોને
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું
હતું કે રાજ્યનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના
સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહ્યા છે. સ્કુલ ઓફ એકસલન્સના નવતર અભિગમ થકી
ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું અમારૂ આયોજન છે. આ ઉપરાંત અન્ય એક નવીન
પ્રયોગમાં વિદ્યાર્થી દીઠ માસિક નિભાવ ખર્ચ આપી નિવાસી શાળા થકી વિદ્યાર્થી દરેક
ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બને તે માટેની અલગ યોજનાના અંગે સરકાર દ્વારા આગામી સમયમાં
અમલમાં આવનાર છે. રાજ્યમા પી.એચ..ડીના વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખ શિષ્યવૃતિ અપાઇ
રહી છે જેનાથી શિક્ષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે.
શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ઠત્તમ કાર્ય કરતા શિક્ષકોને સન્માન આપવું એ આપણા સૌની ફરજ છે. સમાજ વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપી સૌથી વધુ બજેટ શિક્ષણ વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવું એ રાજ્યની પરંપરા છે. રાજ્ય સરકાર શ્રેષ્ઠ શિક્ષકોને સતત પ્રોત્સાહિત કરતી આવી છે. દેશના પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે આજે ગુજરાતનું બાળક વિશ્વની અટારીઓ આંબતુ થયું છે. નરેન્દ્રભાઇનું સ્વપ્ન હતું કે રાજ્યનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી -:
અમદાવાદ ખાતે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક
પારિતોષિક વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે,
શિક્ષક એ માત્ર સરકારી કર્મચારી નથી,
પણ એ રાષ્ટ્રનો ઘડવૈયો છે. તેમણે
ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે આપણે શાળામાં બાળકને પૂછીએ છીએ
કે તે મોટો થઈને શું બનવા માંગે છે? ત્યારે બાળક તરત જ શિક્ષકના વ્યવસાય પર
પસંદગી ઉતારે છે. કારણ કે તેનો આદર્શ શિક્ષક જ હોય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વાલીઓ અને
શિક્ષકોને શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલવા માટે અનુરોધ કરતાં કહ્યું કે,
કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ
છે અને આ પાયારૂપ શિક્ષણની જવાબદારી શિક્ષકના શિરે છે. તેમણે રાષ્ટ્રની ઉન્નતિના
પાયામાં નવાચાર(ઈનોવેશન) રહેલો છે અને આ નવાચાર માટે આપણે પ્રાથમિક શિક્ષણનો પાયો
મજબૂત કરવો રહ્યો.
મુખ્યમંત્રશ્રીએ ગુજરાતમાં શિક્ષણના
ક્ષેત્રમાં થયેલી કામગીરીની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે,
કુશળ માનવબળ માટે આપણે રાજ્યમાં
સેક્ટોરિઅલ યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું છે. જેના પગલે વૈશ્વિક કંપનીઓને કુશળ
માનવબળ પ્રાપ્ત થશે અને યુવાનોને રોજગારી મળશે.તેમણે વૈશ્વિક સ્પર્ધા માટેનું
માનવબળ તૈયાર કરવા માટે શિક્ષકોને સજ્જ થવાની અપીલ કરી હતી.
:- શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા -:
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ
ચુડાસમાએ અમદાવાદ ખાતેના ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહના
પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, કોરોનાકાળમાં શિક્ષકોએ ઉત્તમ કામગીરી
કરી તેમ જ શાળા બંધ હોવા છતા શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં થયેલા સુધારાનો
ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષણની ગુણવત્તામાં સમગ્ર દેશમાં
ગુજરાત અગ્રેસર છે. ગુજરાત ભારતમાં શિક્ષણક્ષેત્રના પર્ફોર્મન્સ ઈન્ડેક્સ
ગ્રેડિંગમાં “એ પ્લસ” ગ્રેડ લાવ્યું છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પણ
આપણે “એ ડબલ પ્લસ” ગ્રેડિંગ માટે સંકલ્પબદ્ધ બનીએ.
:- ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ-:
ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે
ખંભાળીયા ખાતે શિક્ષકદિનની ઉજવણીનો કાર્યક્રમમા જણાવ્યુ કે, નેશન ફીડીંગમાં સૌથી અગત્યનો ફાળો
શિક્ષકોનો છે. શિક્ષકો સાથે ડૉક્ટર, વકીલ, રાજકીય આગેવાન અને ખેડૂત બધા સાથે
મળીને કામ કરે ત્યારે દેશ આગળ વધે છે. બાળકના ઘડતરમાં બે વ્યક્તિનું વિશેષ યોગદાન
હોય છે. જેમાં એક માતા અને બીજો શિક્ષકનો સમાવેશ થાય છે. માતા-પિતા અને શિક્ષક
બાળકના ભવિષ્ય ઘડતરનું કામ કરે છે. માત્ર પુસ્તકીયુ જ્ઞાન આપવુ એ શિક્ષકની ફરજ
નથી.સાથો સાથ જીવન ઘડતર કેવી રીતે કરવુ તેનું માર્ગદર્શન આપવુ તે પણ
શિક્ષકની ફરજ છે.
:- મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા -:
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ
રાદડિયાએ રાજકોટ ખાતે શિક્ષક સન્માન એવોર્ડ વિતરણ કરતા જણાવ્યું કે, ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરતા
શિક્ષકો અભિનંદનના અધિકારી છે. વિદ્યાર્થીઓની કારકિર્દીને યોગ્ય દિશાદર્શન કરાવતા
શિક્ષકો આડકતરી રીતે રાષ્ટ્રની પ્રગતિનો પંથ નિર્માણ કરે છે. મૂલ્યનિષ્ઠ સમાજનું
નિર્માણ કરવામાં શિક્ષકોનું બહુમૂલ્ય પ્રદાન છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલા
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમને પરિણામે રાજયમાં ડ્રોપ આઉટ રેટ ઘટ્યો
છે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પણ ઉત્તરોત્તર વધ્યુ છે.
:- શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર -:
શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર
ઠાકોર શિક્ષક દિન નિમિત્તે પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું
સન્માન કરતા કહ્યુ કે, વર્ષ
૧૯૬૪ થી મૂળ શિક્ષક અને પાછળથી ભારતના રાષ્ટ્રપતિ થનાર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની
યાદમાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામે
નાગરિકોને એક કરવાનું કાર્ય પણ શિક્ષકોએ કર્યું હતું. જે લોકો ભાગ્યશાળી હોય એમને
જ શિક્ષક બનવાનો અવસર સાંપડે છે. આજે જયારે ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાન વધ્યું છે
ત્યારે શિક્ષકોએ પણ સમય સાથે કદમ મિલાવી આગળ વધવાનો અભિગમ કેળવવો જોઇએ. જો સારું
શિક્ષણ અને સંસ્કાર શિક્ષકો બાળકોને આપશે તો રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના પાયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ રહેલું છે. શ્રી વિજયભાઇ રૂપાણીના
નેતૃત્વમાં રાજય સરકારે શિક્ષણના સ્તરને ઊંચા લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ થકી
સરાહનીય પ્રયાસો કર્યા છે.
:- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર-:
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના
મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે નવસારી ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરતા
જણાવ્યું કે, વ્યકિતના જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો
અમૂલ્ય છે. જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યકિતને શિક્ષક જ યોગ્ય બનાવે છે.
ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે ત્યારે વિદ્યાર્થીને સંસ્કાર સિંચન સાથે
અદ્યતન ટેકનોલોજી સહિતનું શિક્ષણ આપવુ
જોઈએ. શિક્ષણની ગુણવત્તા સુધારવા રાજય સરકારે અનેક પગલાંઓ લીધા છે જેના પરિણામે
રાજયમાં ગુણવત્તાયુકત શિક્ષણ ઉપલબ્ધ થયુ છે. મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે વ્યારા
ખાતે શિક્ષકદિનની ઉજવણીએ કહ્યું કે, શિક્ષક એ શિસ્ત,
ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે.
શિક્ષક પ્રેમ, દયા, કરૂણા, ગમા-અણગમાની લાગણીથી ભરપૂર વ્યક્તિને કંડારે છે.
:- પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા -:
પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ
જૂનાગઢ ખાતે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાવંત વિદ્યાર્થીઓનું
સન્માન કરતા કહ્યુ કે, આજે
જેની પાસે જ્ઞાન અને શિક્ષણ છે તેની પાસે સત્તા છે. શિક્ષક દિનની ઉજવણી ત્યારે જ
સાર્થક થશે જયારે શિક્ષકો અને આપણે સૌ વિદ્યાર્થીઓના સર્વાગી જીવન ઘડતરમાં શ્રેષ્ઠ
પ્રેરકબળ આપતુ શિક્ષણ અને જ્ઞાન આપીશુ. આવુ શિક્ષણ મેળવીને જ આજનો વિદ્યાર્થી
જીવનના દરેક ક્ષેત્રે સફળ થશે. યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આજના સમયની આ જરૂરિયાત
છે. વિદ્યાર્થી જીવનમાં સફળ થઇ પોતાને શિક્ષણ આપનાર શિક્ષકને જીવનમાં કાયમ યાદ
રાખવા સાથે ભવિષ્યમાં આ જ શિક્ષક પાસેથી સન્માન મેળવે તેમ શ્રી ચાવડાએ જણાવી
ઉમેર્યુ કે,શિક્ષક પાસેથી જીવનના સારા પાઠ શીખવાના
છે. તેમણે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી કહયુ કે,શિક્ષણમાં સમયાંતરે ઘણું પરિવર્તન
આવ્યુ છે. આ પરિવર્તન સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ તાલમેલ સાધી આગળ વધવાનુ છે.
:- રાજય મંત્રી શ્રી વાસણભાઇ આહિર -:
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે કચ્છ ખાતે રાષ્ટ્રીય
શિક્ષક દિન નિમિતે શિક્ષક સન્માન કરતા કહ્યુ કે, ગુરૂજનોને સન્માનવાનો આ કાર્યક્રમ છે.
સમાજને શ્રેષ્ઠ નાગરિકો શિક્ષકો જ આપે છે. સમાજ ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે છે
જેને સુપેરે નિભાવતા નામી અનામી તમામ શિક્ષકો, ગુરૂજનો વંદનીય છે. શ્રેષ્ઠ સમાજ
નિર્માણની સમાજ શિક્ષકો પાસે અપેક્ષા રાખે છે. શિક્ષકોનું સન્માન એ સમાજનું ગૌરવ
છે. આ જવાબદારી સૌ સુપેરે નિભાવે છે. તેનું ઉદાહરણ કચ્છના શિક્ષકોનું
રાષ્ટ્રીયસ્તરે પણ સન્માન થાય છે તે છે.
રાષ્ટ્રીય સ્તરે ૧ અને રાજયસ્તરે ૪ કચ્છના શિક્ષકો સન્માનિત કરાયા છે એ
આપણા સૌ માટે ગૌરવરૂપ છે તેમ કહી તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
:- વન આદિજાતિ રાજયમંત્રી શ્રી રમણલાલ પાટકર -:
આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના
મંત્રી રમણલાલ પાટકરે વલસાડ જિલ્લાના ચણોદ ખાતે આચાર્ય અને શિક્ષકોને પ્રશસ્તિપત્ર
આપી સન્માનિત કરતા કહ્યુ કે,રાજયના બાળકોના સર્વાગી વિકાસ માટે શિક્ષકોનુ યોગદાન અત્યંત મહત્વનુ
છે ત્યારે શિક્ષકોનુ સન્માન કરી બિરદાવવા આપણા સૌની ફરજ છે એટલા માટે રાજયવ્યાપી
કાર્યક્રમોનુ આયોજન થયુ છે. બાળકોના અભ્યાસ માટે આચાર્ય અને શિક્ષકો દ્વારા જે
પ્રયાસો થઈ રહ્યા છે તે સરાહનીય છે. તેમણે શાળામાં ભણતા બાળકોને સારું શિક્ષણ
મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
:- રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી -:
રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ
રાજપીપળા ખાતે શિક્ષક દિનની ઉજવણીમાં જણાવ્યું કે, શિક્ષક દિને શિક્ષકોનું થઇ રહેલું
સન્માન એ માનવ સમાજ અને દેશના ઘડવૈયાઓનું સન્માન છે. ડિગ્રી, નોકરી કે ધંધો વેપાર નહીં, પરંતુ તેની સાથોસાથ બાળકોમાં દેશદાઝ, આત્મનિર્ભરતા, દેશાભિમાન, પ્રામાણિકતા, નિડરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર દેશનો
પ્રત્યેક નાગરિક બને તેવું બાળકોનું ઘડતર કરવા સૌને સામૂહિક રીતે સંકલ્પબધ્ધ થવા
શ્રી કાનાણીએ આહવાન કર્યું હતું. શ્રી કાનાણીએ વૈશ્વિક કોરોનાની મહામારીના સમયગાળા
દરમિયાન શિક્ષકોએ કોરોના સર્વેના કામની સાથોસાથ માનવ સમાજની કર્તવ્ય ભાવનાને ઉજાગર
કરવાની કામગીરીને બિરદાવી સમગ્ર શિક્ષક આલમને અભિનંદન પણ આપ્યાં હતાં.
આહવા ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને તેમના
સન્માનની ગરિમા જાળવવાની હિમાયત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી
આર.સી.પટેલે કહ્યું હતું કે, સાંપ્રત સમયમા ઘણી ખાનગી શાળાઓના
વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમા પ્રવેશ મેળવી રહ્યા છે, ત્યારે સરકારી શાળાઓના શિક્ષકોની
સામર્થ્યતાને ઓળખી લેવાનો સમયનો આ તકાજો છે.
આ રાજ્યવ્યાપી શિક્ષક દિનની ઊજવણીમાં સાંસદસભ્યો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોના પરિવારજનો, તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.