Header Ads

  • Breaking News

    સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીનું ખેડુતોને આહવાન

     

    ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી
    ફળદ્રુપ બનાવી શકાય છે ---રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

    ………….

    દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ

    ………….

                  બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ ખેડુતોને આહવાન કર્યુ હતું. આ કાર્યશાળામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે, ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ આ પધ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, કાંકરેજી અને ગીર ઓલાદની દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે.




    . રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી સમગ્ર રાજયમાં શ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં ખુબ સારી સફળતા પણ મળી રહી છે. ગુજરાતમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારીત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજીને પ્રાકૃતિક ખેતી તરફ વળી ગુજરાતને રાસાયણિક ખેતીથી મુક્ત બનાવીએ. હવે બનાસકાંઠા જિલ્લાના સમજુ, મહેનતું અને બહાદુર ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

     

      રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી હોસ્પિટલો ભરચક છે ત્યારે સમાજને ફેમીલી ર્ડાકટરની સાથે સાથે હવે ફેમીલી ખેડુતની જરૂર છે. રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે, હરીયાણા- કુરૂક્ષેત્રના ગુરૂકુળમાં શ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીના અમલથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, અને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. તેમજ આ પધ્ધતિથી ઉત્પાદીત ખેતી પાકોની લોકો દ્વારા મોટાપાયે માંગ કરવામાં આવે છે. છેલ્લા ૮-૧૦ વર્ષથી હરીયાણાના કુરૂક્ષેત્ર-ગુરૂકુળની ૨૦૦ એકર જમીનમાં રાસાયણીક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જેના ખુબ સારા પરિણામો મળ્યાં છે.

    રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયાણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી લોકો ગંભીર બિમારીઓના ભોગ બની રહ્યા છે ત્યારે આ મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઇલાજ છે. પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીનમાં ઉંડે રહેલા અળસીયાં બહાર આવે છે. અળસીયાં ખેડુતોના મિત્ર છે. આપણે રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરી અળસીયાનો નાશ કર્યો છે. રાજ્યપાલશ્રીએ ખેડુતોને અળસીયાં અને દેશી ગાયોના ફાયદા વિસ્તૃત રીતે સમજાવ્યા હતાં. તેમણે ખેડુતોને દેશી ગાય રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે, દેશી ગાય રાખનાર ખેડુતોને રાજય સરકારશ્રીની યોજના હેઠળ દર મહિને રૂ. ૯૦૦/ની સહાય આપવામાં આવે છે. રાજ્યપાલશ્રીએ ખેડુતોને એફ.પી.ઓ. બનાવી પોતાની ખેતપેદાશોનો માલ સીધો જ બજારમાં વેચવા પણ જણાવ્યું હતું.  

            દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર એમ. ચૌહાણે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, ભારત દેશમાં સમયની સાથે કૃષિ ક્ષેત્રે પણ ખુબ બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે ત્યારે વૈદિક અને પ્રાકૃતિક ખેતી અપનાવી બિમારીઓથી દુર રહી તંદુસ્ત જીવન જીવીએ. તેમણે પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

            આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના પ્રદેશ સંયોજકશ્રી પ્રફુલભાઇ સેજલીયા, બનાસકાંઠાના સંયોજકશ્રી ભીખાભાઇ ભુટકા, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી ર્ડા. ડી. વી. બારોટ, કલેકટરશ્રી આંનદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, ખેડુત અગ્રણીઓ સર્વશ્રી રામજીભાઇ પટેલ, શ્રી મેઘરાજભાઇ, શ્રી જેસંગભાઇ સહિત કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને સારી સંખ્યામાં ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

    …………………….

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.