ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકશાન સામે રાજ્ય સરકારે રૂ.૫૪૬ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી
ખેડૂતોને આકસ્મિક સંજોગોમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
રાજ્યના જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ
જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાનમા સહાયરૂપ થવા રૂપિયા ૫૪૬કરોડનું
સહાય પેકેજઃ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
………….
v ભારે વરસાદથી
નુકસાન થયેલ બાકી રહી ગયેલા જિલ્લાઓના સર્વેની કામગીરી પ્રગતિમાં:સર્વે બાદ
સહાય ચૂકવાશે
v રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓના લાભો ઘરઆંગણે
પૂરા પાડવા સેવા સેતુ કાર્યક્રમની સાતમી શ્રૃંખલાનો તા.૨૨મી ઑકટોમ્બરથી શુભારંભ
v ઉદ્યોગોના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા માટે
મુખ્યમંત્રીશ્રી એ આપી સૂચના: જી.આઇ.ડી.સીને લગતા પ્રશ્નો અને ખાણ ખનીજ વિભાગના
પ્રશ્નોને અગ્રતા અપાશે
v કોરોના વેકિસનેશન માટે જન જાગૃતિ કેળવી
રાજ્યમાં બાકી રહી ગયેલા નાગરિકોનું ટ્રેસીંગ કરીને રસી આપવા ખાસ ઝુંબેશ હાથ ધરાશે
v ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓ દિવાળી
પહેલા પૂર્વવત કરાશે
v ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય
સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજે લોન આપવા અંતર્ગત રૂ. ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ
આપવાનો નિર્ણય
::મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ
ત્રિવેદી::
v મહેસુલી સેવાઓને વધુ પારદર્શી બનાવવા માટે
રાજ્ય કક્ષાની કમિટી ની રચના: આ કમિટી કલેકટર કચેરી ખાતે ઓચિંતી મુલાકાત કરી
ચકાસણી કરશે
v અમારી પારદર્શી સરકાર ક્યાંય પણ ખોટું ચલાવી
લેશે નહીં: ક્યાંય પણ ખોટું થતું હોય કે નાણાં લેવાતા હોય તો ખૂફિયા વિડીયો ઉતારી
તંત્રને જાણ કરવા અપીલ
……………
રાજય મંત્રીમંડળની બેઠકમા લેવાયેલ
નિર્ણયોની માહિતી આપતા પ્રવકતા મંત્રીશ્રીઓ
………………
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક મહિનામાં અનેક
લોકાભિમુખ નિર્ણય રાજ્ય સરકારે લીધા છે ત્યારે વધુ એક કૃષિ હિતલક્ષી નિર્ણય
લેવામાં આવ્યો છે.
ખરીફ-૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકશાન
સામે રાજ્ય સરકારે રૂ.૫૪૬ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી રાજ્યના ખેડૂતોને
પડખે આ સરકારી રહ્યું છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી જીતુભાઇ વાઘાણીએ
જણાવ્યું છે. ભારે વરસાદથી તારાજીગ્રસ્ત તેવા જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ૨૨ તાલુકામાં
સમાવિષ્ટ ૬૬૨ ગામોને આ સહાય- રાહત પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે. આ રાહત સહાય
પેકેજનો લાભ ૨.૮૨ લાખ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું.
શ્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યુ કે, સપ્ટેમ્બર મહિના બાદ પડેલા વરસાદમાં અન્ય
વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે તેવા જિલ્લાઓને પણ આ સહાય પેકેજ માં આવરી લેવામાં
આવશે. હાલ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ
નુકશાન અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત પંચમહાલ અને ભરૂચ જીલ્લામાં
પણ નુકસાન થયું હોવાની વિગતો મળતા આ કિસ્સાઓમાં સહાનુભૂતિ દાખવી આ જિલ્લાઓમાં પણ
સર્વે કરાશે. એટલું જ નહીં ખેડૂતોએ આ ઓનલાઈન અરજી કરવા માટે રૂ.૧૫ ફી ચૂકવવી ન પડે
તે માટે અરજી કરવાનો ખર્ચ પણ ખેડૂતો તરફથી રાજ્ય સરકાર ચૂકવશે.
તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના
પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે.
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં
સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને
લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.
આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ
નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.
૧૩,૦૦૦ સહાય ચૂકવાશે.
આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ
૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે.બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ.
૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં
રાજ્યના બજેટમાંથી અપાશે.જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી
રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને
તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
શ્રી વાઘાણીએ કહ્યું કે, આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ ૨૫(પચ્ચીસ)ઓક્ટોબરથી
૨૦(વીસ) નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કે
આવી અરજી કરવાની કોઈ ફી ખેડૂતોએ ચૂકવવાની રહેશે નહી.
પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણી ઉમેર્યું કે કોરોનાથી દેશભરના નાગરિકોને
સુરક્ષિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌથી મોટા રસીકરણ અભિયાનનો
શુભારંભ કર્યો હતો, જે આગામી
બે દિવસમાં ૧૦૦ કરોડ ડોઝ સુધી પહોંચશે એ આપણા માટે ગૌરવરૂપ છે. ગુજરાતમાં પણ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરાહનીય કામગીરી થઇ રહી છે. આ
માટે આરોગ્ય કર્મીઓને પ્રોત્સાહિત કરાશે અને રસીકરણ માટે લોક જાગૃતિ કેળવાય તે
આશયથી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. ગુજરાત પ્રતિ મીલીયન રસીકરણ ક્ષેત્રે
દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના ૪૯ ટકા લોકોને બંને ડોઝ રસીના મળી ગયા છે
અને જે લોકો બાકી છે તેમનું ટ્રેસીંગ કરીને સો ટકા રસીકરણ પૂર્ણ કરવાના આશય સાથે
રસીકરણ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના
નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત મહત્ત્વના દસ્તાવેજો ઘર આંગણે પ્રાપ્ત
થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમના નવતર અભિગમ હાથ ધર્યો છે જેને
વ્યાપક જનપ્રતિસદ મળી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમની સાતમી શૃંખલા આગામી તા.૨૨મી
ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ૨૫૦૦ કાર્યક્રમો યોજાશે એ પૈકી ૨૨૦૦ ગ્રામ્ય સ્તરે અને
૩૦૦ કાર્યક્રમો શહેરી વિસ્તારમાં યોજાશે. આ કાર્યક્રમમાં ૧૩ વિવિધ વિભાગોની ૫૬થી
વધુ સેવાઓના લાભો કાર્યક્રમના સ્થળે પૂરા પડાશે.
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે માર્ગોને જે નુકસાન
થયું છે તે પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ
ધરાઈ રહી છે. આ કામો પણ દિવાળી પહેલા સત્વરે પૂર્ણ કરવાનું અમારું આયોજન છે, એટલું જ નહીં વિકાસની પ્રક્રિયા અવિરતપણે
ચાલુ રહે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર
મંત્રીશ્રી અમિતભાઈ શાહ ના માર્ગદશન હેઠળ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. જે કામો પૂર્ણ થઇ ગયા છે આગામી સમયમાં તેના
ઉદ્ઘાટન તથા નવા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં ઉદ્યોગો ને લગતા પ્રશ્નો નો સત્વરે ઉકેલ આવે
એ દિશામાં પણ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે આજે કેબિનેટમાં જીઆઇડીસીના પ્રશ્નોના
સત્વરે ઉકેલ માટે સંબંધિતોને સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે. જેમાં મુખ્યત્વે ખાણ
ખનીજ વિભાગને લગતા પ્રશ્નોમાં પણ વધુ પારદર્શિતા સાથે ઝડપ આવે એ દિશામાં સત્વરે
કામ કરવા પણ સૂચનાઓ આપી છે.
તેમણે ઉમેર્યું કે ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર
દ્વારા ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે જે અંતર્ગત આ કેબિનેટ બેઠકમાં
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાણા વિભાગના સહયોગથી રૂ. ૫૦૦ કરોડનું
રીવોલ્વીંગ ફંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેસૂલ મંત્રીશ્રી અને પ્રવક્તા મંત્રી શ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદીએ
જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા રાજ્યના તમામ નાગરિકો સલામત છે અને
ગુજરાત સરકાર ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં છે. તે પ્રવાસીઓને પરત લાવવા માટે
તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પડશે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની
કે ગભરાવાની જરૂર નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મહેસુલી પ્રશ્નોના સત્વરે નિકાલ થકી
નાગરિકોને મહેસુલી સેવાઓ ઝડપી અને પારદર્શકતાથી મળે એ માટે આવતીકાલે તમામ જિલ્લા
કલેકટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા
બેઠક યોજાશે. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાય તે માટે સૂચનાઓ
અપાશે.
તેમણે ઉમેર્યું કે સ્થાનિક કક્ષાએ કલેકટરશ્રીઓની કામગીરીની ઓચિંતી
તપાસ કરવા માટે અત્રેથી એક ટીમ બનાવવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક
તપાસ કરશે. આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં
તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે.
તેમણે કહ્યું કે મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત
નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે.
તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે
પણ વિભાગીય પગલા લેવાશે.
તેમણે રાજ્યના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શી
વહિવટ માને છે જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે ક્યાં નાના લેવાતા હોય
તો તે પ્રક્રિયાનો વિડીયો ઉતારીને અત્રેની કચેરી કે મારા કાર્યાલય ખાતે મોકલવામાં
આવે. જેથી કરીને તુરંત કાર્યવાહી કરી શકાય. અમે કોઈપણ વ્યક્તિને બક્ષવા માંગતા
નથી. ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં. આ માટે નાગરિકો અને
મીડિયા કર્મીઓને પણ સહયોગ આપવા અપીલ કરી છે.