Header Ads

  • Breaking News

    પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડી

     
    પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડીને ગુજરાતને આ ક્ષેત્રમાં પણ નંબર-૧ બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ:શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

    ***

    વ્યક્તિ નિર્માણ થકી દેશના નિર્માણનું કાર્ય શિક્ષકો સુપેરે નિભાવી રહ્યા છે

    ***

    સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ 'નિપુણ ભારત' મિશન અંતર્ગત રાજ્યના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા 'નિષ્ઠા ૩.૦' તાલીમ શિબિરનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

    ***

    'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'માં કરવામાં આવેલા ફેરફારો અને ભલામણોને આવરી લઈને નિષ્ઠા ૩.૦ ના સમગ્ર અભ્યાસક્રમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી

    ***

    સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ 'નિપુણ ભારત (National initiative for proficiency in reading with understanding and numeracy)' મિશન અંતર્ગત આજે બાયસેગ સ્ટુડિયો ખાતેથી રાજ્યભરના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા નિષ્ઠા ૩.૦ (National initiative for school heads and teachers holistic advancement) તાલીમ શિબિરનો પ્રારંભ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો.



     

    વિદ્યાર્થીઓમાં પાયાની કેળવણીના કાર્ય સાથે સંકળાયેલા ધોરણ ૧ થી ૫ ના શિક્ષકોની આ તાલીમ શિબિરનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,પ્રાથમિક શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકી બાળકોમાં પ્રારંભથી જ ભાષા અને સંખ્યાના જ્ઞાનનું વર્ધન થાય તે વિઝન સાથે દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું છે. બાળકોની 'રીડ ટુ લર્ન' પ્રોસેસ માટે શરૂઆતમાં 'લર્ન ટુ રીડ' પ્રોસેસ શીખવી અત્યંત આવશ્યક છે અને તે માટે જ આ મિશન 'લર્ન ટુ રીડ' થી 'રીડ ટુ લર્ન' માટે બાળકોના શિક્ષણની વિકાસયાત્રા છે જેના થકી ભારતીય વિષયો સમજવામાં બાળકોને વિશેષ સરળતા રહેશે.

     

    શ્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, વિકાસની યાત્રા ખરેખરમાં શિક્ષણના વિકાસથી શરૂ થતી હોય છે અને તેમાં પણ બાળકોની આંગળી પકડીને દેશ-દુનિયામાં તેમને પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરતા પ્રાથમિક શિક્ષકો સમગ્ર વિકાસ યાત્રાનું મૂળ છે. આ મિશન થકી પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડીને ગુજરાતને આ ક્ષેત્રમાં પણ નંબર-૧ બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ છે. વ્યક્તિ નિર્માણ થકી દેશના નિર્માણનું કાર્ય શિક્ષકોના ભાગે આવ્યું છે જેને શિક્ષકો સુપેરે નિભાવી રહ્યા છે જેનો મને ગર્વ છે.

     

    'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'માં કરવામાં આવેલા ફેરફારો અને ભલામણોને આવરી લઈને નિષ્ઠા ૩.૦ ના સમગ્ર અભ્યાસક્રમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત દીક્ષા પ્લેટફોર્મ થકી વિવિધ વિષયોના ૧૨ મોડ્યુલની શિક્ષકોને ઓનલાઇન તાલીમ આપવામાં આવશે. ૧.૧૬ લાખ જેટલા શિક્ષકો આ તાલીમ શિબિરમાં ભાગ લેશે.

     

    આ પ્રસંગે શિક્ષણ વિભાગના સચિવ ડૉ.વિનોદ રાવ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતન કુંવર અને જી.સી.આર.ટી નિયામક શ્રી ડૉ. ટી.એસ.જોષી સહિતના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત બાયસેગના માધ્યમથી રાજ્યના શિક્ષકો ઑનલાઇન જોડાયા હતા.



    ગુજરાત-બ્રાઝિલ વચ્ચેના આપસી સંબંધોમાં ગીર ગાય નસ્લ જેમ જ ન્યૂ ઇકોનોમીમાં

    મૈત્રી કરાર નવિન તકો ખોલી શકે

    ......

           મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આંન્દ્રે અરન્હા કોરિયા ડૉ. લાગોએ ગાંધીનગરમાં લીધી હતી.

           મુખ્યમંત્રીશ્રીએ બ્રાઝિલ રાજદૂત સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બ્રાઝિલે પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે ક્રાંતિ કરી છે તેના મૂળમાં ગુજરાતનું મોટું યોગદાન રહેલું છે.

           આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલને ગીર નસ્લના બળદ-આખલાની ભેટ આપેલી તેની સ્મૃતિ તાજી કરી હતી.

           શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રાઝિલ અને ગુજરાત વચ્ચે મૂડીરોકાણો, વેપાર વાણિજયના સંબંધોને વધુ વ્યાપકપણે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

           તેમણે ગુજરાતે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ એન્ડ લોજિસ્ટીક પાર્ક પોલિસી-ર૦ર૧, ઇલેકટ્રીકલ વ્હીકલ પોલિસી-ર૦ર૧, સોલાર એનર્જી પોલિસી તેમજ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે તેમ પણ જણાવ્યું હતું.

           મુખ્યમંત્રીશ્રીએ બ્રાઝિલમાંથી મિનરલ્સ, ઓઇલ વગેરેની ભારતમાં આયાત થાય છે તેની પણ વિગતો આપી હતી. ઇથેનોલ ફયુઅલ વપરાશમાં બ્રાઝિલના અનુભવ જ્ઞાનનો સહયોગ ગુજરાતને મળે તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ ઉત્સુકતા દર્શાવી હતી.

           શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, બ્રાઝિલની ક્રાઇસ્ટ રિડીમાની પ્રતિમા પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણ માટેનું એક પ્રેરણાસ્ત્રોત બની છે.


    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.