Header Ads

  • Breaking News

    માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત 'ઓપ્ટિમલ અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ' વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો

     

    જન્મના પ્રથમ કલાકમાં બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવવું બાળકની તંદુરસ્તી માટેખુબ જ જરૂરી : મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ

    ..........

    પ્રથમ પીળુ ઘટ્ટ દુધ- કોલેસ્ટ્રોમને બાળકના જીવનની પ્રથમ રસી માનવામાં આવે છે,
    જેમાં ભરપુર માત્રામાં એન્ટીબોડી હોવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબુત કરે છે
    ..........

    આયુર્વેદિક પોષણ સમાવેશક 'આયુષ ટેક હોમ રેશન'નું લોકાર્પણ :

    'પોષણ સુધા યોજના'ના લાભાર્થીને સમયસર અને ઝડપી લાભ મળે તથા

    રિયલ ટાઇમ મોનીટરીંગ માટે મોબાઇલ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું

    ..........

    માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત 'ઓપ્ટિમલ અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ'
    વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો

    ..........

    માતા ગર્ભ ધારણ કરે તે દિવસથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના ૧ હજાર દિવસના સમયગાળામાં

    માતા અને બાળકની મેડિકેશન અને ન્યુટ્રીશિયનની મહત્વતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો

    ..........



    રાજ્યની ગર્ભસ્થ માતાઓ, નવજાત શિશુ તથા બાળકોના આરોગ્ય અને ઉત્તમ તંદુરસ્તીના ઉદ્દેશ સાથે આજે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે 'ઓપ્ટિમલ અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ' વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇ.સી.ડી.એસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા માતા ગર્ભ ધારણ કરે તે દિવસથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના ૧ હજાર દિવસના સમયગાળામાં માતા અને બાળકની મેડિકેશન અને ન્યુટ્રીશિયનની મહત્વતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.


    મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોની આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા માટે હરહંમેશાથી પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરનાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાના આરોગ્ય અને પોષણની સ્થિતિ તંદુરસ્ત કરવા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

    મંત્રી શ્રી વકીલે ઉમેર્યું કે, “નેશનલ ફેમિલી હેલ્થ સર્વે” ૨૦૧૯-૨૦ના સર્વેના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં ૯૪.૩ ટકા સંસ્થાકિય ડિલેવરી થાય છે. પ્રથમ કલાકમાં બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવવું બાળકની તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી છે. કારણ કે પ્રથમ પીળુ ઘટ્ટ દુધ- કોલેસ્ટ્રોમને બાળકના જીવનની પ્રથમ રસી માનવામાં આવે છે. જે કુદરત તેને તૈયાર કરી આપે છે. જેમાં ભરપુર માત્રામાં એન્ટીબોડી હોય છે. જે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.

    માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત આ એક દિવસીય કન્સલ્ટેશન વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે સમતોલ પોષણ અને આયુર્વેદિક વિરાસતનો અતુલ્ય સમન્વય ધરાવતા 'આયુષ ટેક હોમ રેશન'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદને સાંકળીને પોષણ કીટ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યના 'પોષણ સુધા યોજના'ના લાભાર્થીઓને સમયસર અને ઝડપી લાભ મળી રહે અને તેનું રિયલ ટાઇમ મોનીટરીંગ થઈ શકે તે હેતુસર 'પોષણ સુધા યોજના' મોબાઇલ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

    ગુજરાત યુનિસેફના ઓફિસર ઇન ચાર્જ શ્રી શ્યામ નારાયણ દવેએ આ જરૂરી વિષય પર વર્કશોપનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવી કહ્યું હતું કે, ન્યુટ્રીશિયન એ દરેક સમાજ, પરિવાર અને ઘર સાથે સંકળાયેલો એક મહત્ત્વનો મુદ્દો છે. બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યને સલામત રાખવું એ આપણા સૌની જવાબદારી છે એ માટે જ ગર્ભાવસ્થાના દિવસથી એક હજાર દિવસ સુધી શું ખાવું અને શું નહીં તે અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ આપણે તંદુરસ્ત પરિવાર અને સમાજનું નિર્માણ કરી શકીશું.

    આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રી કે. કે. નિરાલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ પણ સેમિનારમાં વિષય આધારિત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. ત્યારબાદ યોજાયેલા ટેક્નિકલ સેશનમાં યુનિસેફના ન્યુટ્રીશિયન સ્પેશિયલિસ્ટ ડૉ. કવિતા શર્મા,ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના ડૉ. અલ્પેશ ગાંધી, પીડિયાટ્રિશિયન ડૉ. કેતન ભરડવા, એમ.એસ. યુનિવર્સિટી બરોડાના ડૉ. હેમાંગીની ગાંધી, ડૉ. દિગંત શાસ્ત્રી, યુનિસેફના હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડૉ. નારાયણ ગાવૉંકર, પોષણ અભિયાનના મિશન ડાયરેક્ટર શ્રી રાકેશ વ્યાસ સહિતના વિષય નિષ્ણાંત તબીબોએ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.     

    આ સેમિનારમાં આઇ.સી.ડી.એસ ડાયરેક્ટર શ્રી ડી.એન.મોદી, ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ તથા ગાયનેકોલોજિસ્ટ એસોસિયેશનના નિષ્ણાત તબીબો ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સી.ડી.એચ.ઓ અને પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય તથા પોષણના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓના સંચાલકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.