Header Ads

  • Breaking News

    યૂનિસે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે સ્વસ્થ વાતાવરણ મળવું જોઈએ- રાજ્યપાલશ્રી


     બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે સ્વસ્થ વાતાવરણ મળવું જોઈએ- રાજ્યપાલશ્રી


    યૂનિસેફ દ્વારા તૈયાર થયેલાં "ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ
     ચિલ્ડ્રન રિપોર્ટ-2021"નું વિમોચન કરતા રાજ્યપાલશ્રી

            ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે યૂનિસેફ દ્વારા તૈયાર કરાયેલા "ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન રિપોર્ટ-2021"નું વિમોચન કરતા જણાવ્યું હતું કે, બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે સ્વસ્થ વાતાવરણ મળવું જોઈએ. 
                રાજ્યપાલશ્રીએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા આ રિપોર્ટના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. સમાજ સાથેના વ્યવહારની મનુષ્ય ઉપર અસર પડે છે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનથી માંડીને કવોરન્ટાઈન સુધીની નિરાશાભરી એકલતા ઉપરાંત પરિવારના નજીકના સગા-સંબંધીઓના મૃત્યુ સુધીની આ મહામારીની ભયાનકતા અને ચારેબાજુના નકારાત્મક વાતાવરણથી બાળકો અને વયસ્ક લોકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર અત્યંત ખરાબ અસર પડી છે.



                 બાળકોના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે પરિવારમાં સ્વસ્થ વાતાવરણ ઉપરાંત શાળા-શિક્ષકો અને સહાધ્યાયીઓના સકારાત્મક અભિગમની પણ રાજ્યપાલશ્રીએ હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માણસ સ્વકેન્દ્રી બને છે
             ત્યારે સામાજિક સંપર્ક તૂટે છે, પરંતુ સર્વકેન્દ્રી બનવાથી સામાજિક સહયોગ મળતો રહે છે. ભારતીય વેદ સંસ્કૃતિમાં "તન્મે મન: શિવ સંકલ્પમસ્તુ" દ્વારા કલ્યાણકારી વિચારોથી મનની સ્વસ્થતાના ઉપદેશનો પણ રાજ્યપાલશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે યૂનિસેફના આ રિપોર્ટ દ્વારા સૂચવવામાં આવેલ ઉપાયોની રાજ્યપાલશ્રીએ નોંધ લીધી હતી. 
                આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે આ રિપોર્ટને માર્ગદર્શનરૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ માટે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે તેમણે પરિવારમાં તંદુરસ્ત વાતાવરણ અને શાળામાં સકારાત્મક અભિગમને આવશ્યક ગણાવ્યા હતા. 
                માનસિક સ્વાસ્થ્ય બાબતે ખૂલીને વાત થાય, તંદુરસ્ત ચર્ચા થાય તે પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોના મહામારીમાં માતા કે પિતા અથવા બંનેને ગુમાવનારા અનાથ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે બે યોજના અમલમાં મૂકીને આવા બાળકોની ચિંતા કરી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. 
                યૂનિસેફના પ્રભારી અધિકારી ડૉ.  નારાયણ ગાંવકરે, બાળકોના માનસિક સ્વાસ્થ્ય બાબતે પ્રમોટીંગ, પ્રોટેકટીંગ અને કેરીંગ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે માનસિક સ્વાસ્થ્ય માટે સંવાદને મહત્વનો ગણાવ્યો હતો. પરિવારની હૂંફ, શાળા-કોલેજોમાં તંદુરસ્ત વાતાવરણ, માનસિક સ્વાસ્થ્યની રક્ષા માટે મલ્ટીપલ સિસ્ટમનો ઉપયોગ તેમજ સંવાદ દ્વારા જ્ઞાનના આદાન-પ્રદાનની આવશ્યકતા પણ તેમણે વર્ણવી હતી. 
                આ પ્રસંગે વિયોના સાંઘવી અને આભાસ નામના બે બાળકોએ કોરોના સંક્રમણ સમયે માનસિક પરિતાપના સામના માટેના સ્વાનુભવને વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યૂનિસેફના સંચાર વિશેષજ્ઞ સુશ્રી મોઈરા દાવાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ ડૉ. અજય ચૌહાણે કરી હતી. 


    ...............................................................................................................

    શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા
    રાજ્યમાં ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા
    શ્રમજીવીઓના લઘુતમ વેતનદરમાં સુધારો કરાયો
    ..........................

    વેતન ઉપરાંત જીવનનિર્વાહ આંક અનુસાર ખાસ ભથ્થુ પણ ચૂકવવાનું રહેશે

    કામના કુલ કલાકો મુજબ નહીં, પરંતુ કુલ કામગીરી મુજબ મહેનતાણું ચૂકવાશે
    ..........................

    રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન રૂા. ૨૯૩ ચૂકવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત વેતન ઉપરાંત જીવનનિર્વાહ આંક અનુસાર ખાસ ભથ્થુ પણ ચૂકવવાનું રહેશે.
                આ અંગે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસ અને તારણોના આધારે માત્ર કામના કુલ કલાકો મુજબ નહીં, પરંતુ કુલ કામગીરી મુજબ મહેનતાણું ચૂકવવાનો નિર્ણય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
             જે અંતર્ગત જાહેર કરવામાં નવા વેતનદરો મુજબ માટી ખોદીને ઇંટો બનાવનારા તથા પકવનારાઓને પ્રતિ ૪૯૦ ઇંટો દીઠ રૂા.૨૯૩, ભરતીવાળાને પ્રતિ ૧૧૦૦ ઇંટો દીઠ રૂા.૨૭૬, ઇંટો ગોઠવનારાને પ્રતિ ૧૦૦૦ ઇંટો દીઠ રૂા.૨૭૬, તૈયાર ઇંટોનું વહન કરનારાઓને પ્રતિ ૧૦૦૦ ઇંટો દીઠ રૂા.૨૭૬ દૈનિક ભથ્થા પેટે ચૂકવવાના રહેશે. 
                જ્યારે મિસ્ત્રી, મુકાદમ, ડ્રાઇવર, ચોકીદાર વગેરેને દૈનિક રૂા.૨૯૩નું વેતન ચૂકવવાપાત્ર થશે. આ ઉપરાંત આ જાહેરનામું અમલમાં રહે ત્યાં સુધી પ્રતિ વર્ષ ૩૦ જૂન તથા ૩૧ ડિસેમ્બરના રોજ પૂરા થતા છ માસને ધ્યાને લઇ જીવન નિર્વાહ આધારિત ખાસ ભથ્થુ પણ અનુક્રમે ૧ ઓક્ટોબર તથા ૧ એપ્રિલના રોજથી શરૂ થતા છ માસના ગાળા માટે ચૂકવવાનું રહેશે. જેમાં વખતોવખત સક્ષમ સત્તાધિકારી ધ્વારા સુધારો કરવામાં આવશે તેમ શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ શ્રી ગગુભા રાજની યાદીમાં જણાવ્યું છે. 

    Post Top Ad

    Post Bottom Ad

    Blogger દ્વારા સંચાલિત.